રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટ લઈને એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગા સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે.
ચહલના જોરદાર પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે IPL 2023ની ચોથી મેચમાં હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ લઈને આઈપીએલમાં 170 વિકેટ પૂરી કરી હતી. યુઝવેન્દ્ર ચહલ IPL 2022માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો અને તેણે પર્પલ કેપ જીતી. ચહલે IPLની 16મી સિઝનની પોતાની પહેલી જ મેચમાં 4 વિકેટ લઈને મજબૂત શરૂઆત કરી છે.
રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચમાં ચહલે સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી તેણે મયંક અગ્રવાલ, આદિલ રાશિદ અને ભુવનેશ્વર કુમારને આઉટ કર્યા. ચહલે મેચમાં 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના બોલર ડ્વેન બ્રાવોના નામે છે, તેણે 161 મેચમાં 183 વિકેટ ઝડપી છે. ચહલ આ સિઝનમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ રેકોર્ડ તોડવા માટે તેને 14 વિકેટની જરૂર છે.
મેચમાં ત્રીજી વિકેટ લેતા તે T20 ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. આ યાદીમાં ચહલ પછી અશ્વિન (287), પીયૂષ ચાવલા (276), અમિત મિશ્રા (272) અને જસપ્રિત બુમરાહ (256) છે.
