ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 17 એપ્રિલની સાંજે બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચેની મેચમાં બેંગ્લોર ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને બેંગ્લોરને સલાહ આપી છે અને એમ પણ કહ્યું છે કે જો તેઓ આ ખામીને દૂર નહીં કરે તો આખી સિઝન તેમના માટે મુશ્કેલ બની જશે.
ઝહીર ખાને કહ્યું કે, કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મિડલ ઓર્ડર આ સિઝનમાં નિષ્ફળ ગયો છે, દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકા નિભાવવામાં સક્ષમ નથી, જેના કારણે ટીમની ચિંતા વધી ગઈ છે. ટીમમાં કાર્તિક જેવો અન્ય કોઈ અનુભવી ખેલાડી નથી, જો તેના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો બેંગલોરને આખી સિઝન માટે સંઘર્ષ કરવો પડશે.
જણાવી દઈએ કે દિનેશ કાર્તિક 16મી સિઝનમાં ફ્લોપ રહ્યો છે. 5 મેચની 5 ઇનિંગ્સમાં કાર્તિકના બેટમાંથી માત્ર 38 રન જ નીકળ્યા છે. તે બે વખત શૂન્ય પર આઉટ થયો છે. જ્યારે આ જ દિનેશ કાર્તિક IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોટો સ્ટાર હતો. ગત સિઝનમાં તેણે 16 મેચોમાં 55 અને 183.33ની એવરેજથી 330 રન બનાવ્યા હતા અને 10 વખત અણનમ રહ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રદર્શનની વાત કરીએ તો, ટીમે મુંબઈ સામેની જીત સાથે ધમાકેદાર સિઝનની શરૂઆત કરી હતી, પરંતુ પછીની મેચોમાં બેંગ્લોરનું પ્રદર્શન કથળ્યું છે અને ટીમ તેની 5માંથી 3 મેચ હારી ગઈ છે. જો બેંગ્લોરે ખરેખર પોતાની સ્થિતિ મજબૂત બનાવવી હોય તો મિડલ ઓર્ડરની બેટિંગને મજબૂત કરવી પડશે, નહીં તો આ વર્ષે પણ તેણે ટાઈટલથી દૂર રહેવું પડી શકે છે.