LATEST

એન્કર મયંતી લેંગરના પતિ સ્ટુઅર્ટ બિન્નીએ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને કહ્યું અલવિદા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ સોમવારે ફર્સ્ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વર્ષ 2014માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર આ ઓલરાઉન્ડરે ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 459 રન અને 24 વિકેટ છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR), મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) જેવી ટીમો માટે પણ રમ્યો હતો.

37 વર્ષીય બિન્નીએ પોતાના રાજ્ય કર્ણાટક વતી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પિતા રોજર બિન્ની પણ ભારત તરફથી રમ્યા છે. જો કે, બિન્નીએ હજી સુધી ખુલાસો કર્યો નથી કે તે હવે કેટલીક વિદેશી લીગમાં રમતા જોવા મળશે કે કેમ કે આ દિવસોમાં આવા ઘણા ક્રિકેટરો, જેમની ભારતીય ટીમમાં વાપસી અશક્ય લાગે છે, તેઓ પણ આવું કરી રહ્યા છે.

બિન્નીએ નિવેદનમાં કહ્યું કે, ‘હું તમને જણાવવા માંગુ છું કે મેં ફર્સ્ટ ક્લાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતાં મને ખૂબ આનંદ થયો છે અને મને તેનો ગર્વ છે.

બિન્નીને 95 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ પણ છે. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમ.એસ. ધોની) એ પણ કેટલીક ટેસ્ટ મેચમાં તેને અજમાવ્યો હતો પરંતુ તેને વધારે સફળતા મળી ન હતી.

Exit mobile version