વિરાટ બાબર કરતા ઘણા વરિષ્ઠ છે અને ઘણા સમય પહેલા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું..
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના લિમિટેડ ઓવરોના કેપ્ટન બાબર આઝમની ઘણી વાર તુલના કરવામાં આવી છે. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાન કમેંટેટર આકાશ ચોપરાનું માનવું છે કે કોહલી બાબર આઝમથી ઘણો આગળ છે. કોહલીએ 2008 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બાબરે 2015 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
પૂર્વ પાકિસ્તાની બોલર તનવીર અહેમદ સાથેની વાતચીત દરમિયાન ચોપરાએ કહ્યું હતું કે, બાબર એક પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ તે પણ એક મોટી સત્યતા છે કે કોહલી આ રેસમાં તેના કરતા ઘણો આગળ છે. વિરાટ બાબર કરતા ઘણા વરિષ્ઠ છે અને ઘણા સમય પહેલા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. વાતચીતમાં હંમેશાં વિરાટનું નામ ઓલ-ટાઇમ ગ્રેટમાં શામેલ હોય છે.
બંને ખેલાડીઓના આંકડાની વાત કરીએ તો, વિરાટ કોહલીએ 416 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21901 રન બનાવ્યા છે, જે ત્રીજો સૌથી વધુ સ્કોર છે. સચિન તેંડુલકર 664 મેચોમાં 34357 રન સાથે પ્રથમ અને રાહુલ દ્રવિડ 504 મેચોમાં 24065 રન સાથે બીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 56.15 ની સરેરાશથી બનાવ્યો છે જેમાં 104 અર્ધસદી, 70 સદી અને 7 બેવડી સદીનો સમાવેશ છે.
બાબર આઝમ વિશે વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 138 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે, જેમાં તેનો સ્કોર 50ની સરેરાશથી 6680 છે. જેમાં બાબરની 41 અડધી સદી, 16 સદીનો સમાવેશ છે.