ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ઘણા સમયથી જોવા મળી નથી. જોકે પાકિસ્તાને ઘણી વખત ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાને ટાંકીને તેમના દરેક સંદેશાને ફગાવી દીધો હતો.
BCCIએ પણ પાકિસ્તાનમાં યોજાનારા આગામી એશિયા કપ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં યોજવી જોઈએ, જો આવું નહીં થાય તો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.
બીજી તરફ, પાકિસ્તાન હવે મોટી ટીમોની યજમાની કરીને બધાને કહી રહ્યું છે કે તેઓ કડક સુરક્ષા સાથે કોઈપણ ટીમની યજમાની કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરમિયાન, પાકિસ્તાનને પણ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી સમર્થન મળતું જોવા મળી રહ્યું છે અને આ ચોક્કસપણે BCCI માટે આંચકો સાબિત થાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આઈસીસી પણ બીસીસીઆઈના નિર્ણય સાથે સહમત છે, પરંતુ હવે આઈસીસીએ સંકેત આપ્યા છે કે પાકિસ્તાનની મુલાકાત કોઈપણ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે.
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમના ત્રણ મેચના સફળ પ્રવાસથી ઉત્સાહિત, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સીઈઓ જ્યોફ એલાર્ડિસ ઈચ્છે છે કે પાકિસ્તાનમાં વધુ ટેસ્ટ મેચો રમાય.
એલાર્ડિસે કહ્યું, “પાકિસ્તાનના ચાહકો રમત અને તેમની ટીમ પ્રત્યે ઉત્સાહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે.”
ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોના પ્રવાસ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ ક્રિકેટનો વિકાસ ચાલુ રહેશે તેવી આશા એલાર્ડીસને છે. પાકિસ્તાન ICCનું એક મહત્વપૂર્ણ સભ્ય છે. એલાર્ડિસના નિવેદનથી સ્પષ્ટ છે કે તેણે માત્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વખાણ કર્યા નથી, પરંતુ તમામ ટીમોને સંદેશ પણ આપ્યો છે કે અહીંનો પ્રવાસ કોઈપણ રીતે મુશ્કેલીજનક સાબિત થઈ શકે નહીં.