પોતાની ડેબ્યુ મેચમાં યાદગાર પ્રદર્શન કરવાનું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. ઘણા એવા બેટ્સમેન છે જેમણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી હોય. પરંતુ શું તમે જાણો છો કે કયા બેટ્સમેને ઓડીઆઈ અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે?
આ સિદ્ધિ પાકિસ્તાનના ખેલાડી આબિદ અલીએ હાંસલ કરી છે. જો કે, મહિલા ક્રિકેટમાં તેના પહેલા આ સિદ્ધિ ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ ખેલાડી એનિડ બેકવેલે કરી છે, જેણે તેની ટેસ્ટ અને વનડે કારકિર્દીની શરૂઆત સદીથી કરી હતી. પરંતુ પુરૂષ ક્રિકેટમાં આ માઈલસ્ટોન હાંસલ કરનાર આબિદ અલી પ્રથમ ખેલાડી છે.
આબિદ અલીને માર્ચ 2019માં UAEમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 277 રન બનાવ્યા હતા. જે બાદ આબિદ અલીને ઇનિંગ ખોલવાની તક મળી અને તેણે 119 બોલમાં 112 રન બનાવ્યા. જો કે પાકિસ્તાનની ટીમને 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પ્રથમ મેચમાં આબિદના પ્રદર્શનથી બધા ખૂબ જ પ્રભાવિત થયા હતા.
2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકવાદી હુમલા પછી, 2019 માં રમાયેલી પ્રથમ ટેસ્ટ શ્રેણી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બે મેચની શ્રેણી હતી. પ્રથમ મેચમાં શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ ટીમનો પ્રથમ દાવ 308 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં પાકિસ્તાન તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા આબિદ અલીએ પોતાની ડેબ્યૂ મેચમાં 201 બોલમાં 109 રન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. જો કે વરસાદના કારણે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
આબિદ અલીની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો 12 ટેસ્ટમાં તેની એવરેજ 49.65 છે અને તેણે 3 સદી અને 2 અડધી સદી સહિત 844 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 6 વનડેમાં 1 સદી અને 1 અડધી સદીની મદદથી 39ની એવરેજથી કુલ 234 રન બનાવ્યા છે.