
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ ડેવિડ લોયડે મંગળવારે જાહેરાત કરી હતી કે તે સ્કાય સ્પોર્ટ્સના કોમેન્ટેટર પદેથી રાજીનામું આપી રહ્યો છે. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી. લોયડ 74 વર્ષનો છે અને 1999માં સ્કાય સ્પોર્ટ્સ ટીમ સાથે જોડાયો હતો.
આ પછી તે ક્રિકેટ કવરેજનો જાણીતો અવાજ બની ગયો. તેણે ટ્રેન્ટબ્રિજ ખાતે 2015ની એશિઝ ટેસ્ટ જેમાં સ્ટુઅર્ટ બ્રોડે 15 રન આપીને આઠ વિકેટ લીધી હતી અને પ્રથમ દિવસની સવારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 60 રનમાં આઉટ કરી દીધું હતું સહિતની સંખ્યાબંધ મહત્વપૂર્ણ મેચો પર ટિપ્પણી કરી હતી.
ઈન્ટરનેટ મીડિયા પર જાહેર કરાયેલ એક નિવેદનમાં લોયડે કહ્યું, ‘સ્કાય સ્પોર્ટ્સ સાથે 22 અદ્ભુત વર્ષો પછી, મેં હવે માઇક્રોફોન છોડવાનો નિર્ણય કર્યો છે. ઘણી બધી અદ્ભુત યાદો છે. હું ઘણી શાનદાર મેચો અને અવિશ્વસનીય પ્રદર્શનનો સાક્ષી રહ્યો છું. હું ભાગ્યશાળી છું કે હું એશિઝના તમામ ઉતાર-ચઢાવ, વર્લ્ડ કપની જીત અને હાર, સર્વશ્રેષ્ઠ અને નબળું પ્રદર્શન તમારી સાથે શેર કરવા માટે વિશ્વની મુસાફરી કરી.
તેણે બિલ લોરી સાથે 2013ની કોમેન્ટ્રીને પોતાના માટે એક ખાસ ક્ષણ ગણાવી. લોયડે કહ્યું, “ઇયાન બિશપ, રવિ શાસ્ત્રી, શેન વોર્ન, શોન પોલોક અને ઇયાન સ્મિથ અન્ય ઘણા લોકો સાથે કામ કરવું ખૂબ જ યાદગાર હતું.”
લોયડે 1973 થી 1980 વચ્ચે ઈંગ્લેન્ડ માટે નવ ટેસ્ટ અને આઠ વનડે રમી હતી. તેણે જુલાઈ 1974માં એજબેસ્ટન ખાતે ભારત સામેની તેની બીજી ટેસ્ટમાં અણનમ 214 રન સહિત બંને ફોર્મેટમાં એક-એક સદી ફટકારી હતી.
