
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણીમાં કાંગારૂ ટીમે અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. જો કે હવે આ દેશનો એક પૂર્વ ખેલાડી વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ રવિવારે જણાવ્યું હતું કે જાણીતા ખેલાડીના કથિત ડ્રગના ઉપયોગ અંગેનો ગોપનીય અહેવાલ મીડિયામાં લીક થયા બાદ બોર્ડે પોલીસની મદદ માંગી છે.
રવિવારે ‘ધ એજ’ અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ ક્રિકેટર, એક મહિલા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ‘ઈટિગ્રિટી’ ચીફ સીન કેરોલ વચ્ચે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ મળી આવ્યું છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક ખેલાડી કોકેઈનનો ઉપયોગ કરી રહ્યો હતો અને ઘણી મહિલાઓ સાથે બાલ્કનીમાં નગ્ન થઈને ડાન્સ કરી રહ્યો હતો.
મહિલાએ પોતાને ઉચ્ચ કક્ષાની ‘એસ્કોર્ટ’ ગણાવી હતી. હોકલીએ પૂર્વ ખેલાડી પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. હોકલીએ કહ્યું, ‘આ અહેવાલો પાયાવિહોણા છે. કોઈપણ રીતે ગોપનીય માહિતીની ચોરી કરવી એ ગુનો છે. અમે પોલીસને જાણ કરી છે અને અમે વિક્ટોરિયા પોલીસની મદદ લઈ રહ્યા છીએ.
મેલબોર્ન દૈનિકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રેકોર્ડિંગ્સ અખબારને એક અનામી સરનામાથી ‘એનક્રિપ્ટેડ’ ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. આ રેકોર્ડિંગ લીક કરનાર વ્યક્તિ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કર્મચારી હોવાનું માનવામાં આવે છે જે ઈન્ટિગ્રિટી યુનિટની ખામીઓને હાઈલાઈટ કરવા માંગે છે.
