નેધરલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર રેયાન કેમ્પબેલ હવે કોમામાંથી બહાર આવી ગયો છે, પરંતુ હજુ પણ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. શનિવારે હાર્ટ એટેક આવતા તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા.
50 વર્ષીય રેયાન હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા બંને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે કુલ બે વન-ડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
શનિવારે હૃદયરોગનો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. યુકેમાં તેમના પરિવાર સાથે રહેતા કેમ્પબેલને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ કેમ્પબેલના ભાઈ માર્ક દ્વારા પર્થ રેડિયોને આપેલા નિવેદનના આધારે કહ્યું કે ડોકટરોના જણાવ્યા અનુસાર મગજને કોઈ નુકસાન થયું હોવાના કોઈ પુરાવા નથી.
માર્ક કેમ્પબેલે ICCના નિવેદનમાં કહ્યું, તે કોમામાંથી બહાર આવી ગયો છે. હવે ડોકટરો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેના હૃદયમાં શું ખામી છે. નેધરલેન્ડ ટીમના ન્યુઝીલેન્ડ પ્રવાસ બાદ કેમ્પબેલ યુરોપ પરત ફર્યો હતો. તેમને જાન્યુઆરી 2017માં નેધરલેન્ડના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે ICC T20 વર્લ્ડ કપ 2016માં હોંગકોંગનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 44 વર્ષ અને 30 દિવસની ઉંમરે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો.