ભારતીય ટીમે ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની T20 શ્રેણીની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ ખાસ હતી કારણ કે આ તેની 200મી T20 ઈન્ટરનેશનલ મેચ હતી. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની યુવા ટીમે ઘણી સહનશક્તિ દર્શાવી હતી પરંતુ અંતે વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો. કેરેબિયન ટીમે આ રોમાંચક મેચ 4 રનથી જીતી લીધી અને ભારતીય ક્રિકેટ ટીમ માટે 17 વર્ષ જૂનો ઈતિહાસ બદલાઈ ગયો. તમને જણાવી દઈએ કે ભારતે 2006માં પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.
આ તમામ મેચોમાં સૌથી અલગ પાસું એ હતું કે માઈલસ્ટોન મેચ એટલે કે 1લી, 50મી, 100મી, 150મી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 200મી મેચ હારી ગઈ હતી. આ પહેલા વીરેન્દ્ર સેહવાગની કપ્તાનીમાં ભારતે 2006માં પ્રથમ ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને જીત મેળવી હતી. જે બાદ 2014માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને 50મી T20 ઈન્ટરનેશનલ જીતી હતી.