ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 6 એપ્રિલના રોજ મેચ મહિના માટે પુરૂષ ક્રિકેટમાં ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ અને વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ કેપ્ટન ક્રેગ બ્રેથવેટનો સમાવેશ થાય છે.
ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં એક ભારતીય ખેલાડીએ આ એવોર્ડ જીતીને પોતાનું નામ નોંધાવ્યું હતું. ફેબ્રુઆરીમાં પુરુષોની શ્રેણીમાં શ્રેયસ ઐય્યરે આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ જીત્યો હતો. પરંતુ આ વખતે નોમિનેશનમાં કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી.
બાબર આઝમ, પાકિસ્તાન:
પાકિસ્તાન ટીમના સુકાની બાબર આઝમને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં તેના પ્રદર્શન માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. બાબર આઝમે વનડે અને ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો તે ઉસ્માન ખ્વાજા અને અબ્દુલ્લા શફીકની સાથે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
બાબર આઝમે તેની પાંચ ઇનિંગ્સમાં 78ની એવરેજથી કુલ 390 રન બનાવ્યા છે. કરાચીમાં બીજી ટેસ્ટ દરમિયાન તેની 196 રનની મેચ બચાવી ઈનિંગનો સમાવેશ થાય છે. બાબર આઝમે વનડે શ્રેણીમાં પ્રથમ મેચમાં 57 રન અને બીજી મેચમાં 118 રનની સદી ફટકારી હતી.
ક્રેગ બ્રેથવેટ, વેસ્ટ ઈન્ડિઝ:
ક્રેગ બ્રેથવેટે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી હોમ સિરીઝમાં તેની કુલ છ ઇનિંગ્સમાં 85.25ની એવરેજથી 341 રન બનાવ્યા છે. જેમાં તેની બે અડધી સદી અને એક શાનદાર સદી પણ સામેલ છે. ક્રેગ બ્રેથવેટે બાર્બાડોસમાં 160 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેના પ્રદર્શનના આધારે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ હવે તેને ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
પેટ કમિન્સ, ઓસ્ટ્રેલિયા:
હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ, વન ડે અને ટી-20 સિરીઝ માટે 24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન કમિન્સે પાકિસ્તાન પ્રવાસ પર ટીમની ટેસ્ટ શ્રેણીમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. પેટ કમિન્સે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં 12 વિકેટ લીધી હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી 1-0થી જીતી હતી.