LATEST

ઈમરાન ખાને મેચ ફિક્સિંગ અંગે કર્યો મોટો ખુલાસો કહ્યું, લલચાવવામાં આવી રહ્યા છે

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પણ ડ્રો રહી હતી. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. એક સમયે પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ કેપ્ટન બાબર આઝમ (196), વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (104) અને ઓપનર અબ્દુલ્લા શફીકે (96) શાનદાર ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને જીતથી દૂર લઈ ગયા.

મેચ ડ્રો થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના ખેલાડીઓના વખાણ કર્યા હતા અને તેણે ‘મેચ ફિક્સિંગ’ અંગે પણ મોટી વાત કરી હતી.

કરાચી ટેસ્ટ ડ્રો બાદ ઈમરાન ખાને ટ્વીટર પર લખ્યું હતું કે, બાબર આઝમને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર લડત અને શાનદાર કેપ્ટનની ઈનિંગ માટે અભિનંદન. બાકીની ટીમને પણ શુભકામનાઓ, જે રીતે તેઓએ મેચમાં પુનરાગમન કર્યું. ખાસ કરીને રિઝવાન અને શફીકે સારો દેખાવ કર્યો હતો. આ સિવાય ઈમરાને અન્ય એક ટ્વિટમાં કહ્યું કે તેણે આ મેચ જોઈ નથી, કારણ કે તે ‘મેચ ફિક્સિંગ’ સામે લડી રહ્યો હતો. તેણે લખ્યું, ‘દુર્ભાગ્યે મેં આ મેચ જોઈ ન હતી, કારણ કે હું બીજા મોરચે મેચ ફિક્સિંગ સામે લડી રહ્યો છું જ્યાં મારા ખેલાડીઓને લોભાવવા માટે મોટી રકમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે!’

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 506 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાને 7 વિકેટના નુકસાને 443 રન બનાવી મેચ ડ્રો કરી હતી. આઝમની જોરદાર ઇનિંગ્સે પાકિસ્તાનની હાર ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 10 કલાકથી વધુ સમય સુધી ઓસ્ટ્રેલિયાના ખતરનાક બોલિંગ આક્રમણનો સામનો કર્યો. આઝમે ટેસ્ટની ચોથી ઇનિંગમાં 607 મિનિટ સુધી બેટિંગ કરી હતી. તેણે બે વર્ષ પછી પ્રથમ વખત ટેસ્ટમાં સદી ફટકારી હતી, પરંતુ તે માત્ર ચાર રનથી તેની પ્રથમ બેવડી સદી ચૂકી ગયો હતો. તેની ઇનિંગ્સનો અંત સ્પિનર ​​નાથન લિયોને કર્યો હતો.

Exit mobile version