ભારતીય ટીમે ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ તરફથી બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી હતી. ત્રીજી વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 200 રનથી જીત મેળવી છે, જે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ભારતે ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે 186 રનથી જીત મેળવી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2008માં વેસ્ટ ઈન્ડિઝ સામે 169 રનથી જીત મેળવી હતી.