ભારતે ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. મંગળવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં, ભારતે દક્ષિણ આફ્રિકાને 99 રનમાં સમેટી લીધું હતું અને ત્યારબાદ ત્રણ વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કર્યું હતું.
ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે સૌથી વધુ ચાર રન બનાવ્યા જ્યારે મોહમ્મદ સિરાજ અને શાહબાઝ અહેમદે બે-બે સફળતા હાંસલ કરી.
દક્ષિણ આફ્રિકા સામેની આ જીત સાથે ભારતીય ટીમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ જીતવાના ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારતે હવે 2022માં તમામ ફોર્મેટમાં 38 મેચ જીતી છે અને આ મામલે ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 2003માં તમામ ફોર્મેટમાં 38 મેચ જીતી હતી.
ભારત હવે આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. 2022 T20 વર્લ્ડ કપ સહિત આ વર્ષે ભારત પાસે હજુ ઘણું ક્રિકેટ રમવાનું છે. આ ટૂર્નામેન્ટ બાદ ભારતે ODI અને T20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવો પડશે. ભારતની આગામી આંતરરાષ્ટ્રીય મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાની છે.