ICCના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)ના ભાગરૂપે ભારતીય પુરૂષ ટીમ આગામી પાંચ વર્ષમાં મે 2023 થી એપ્રિલ 2027 સુધી 138 દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મેચો રમશે.
ભારતીય ટીમ પાંચ વર્ષમાં 38 ટેસ્ટ, 39 વનડે અને 61 ટી-20 મેચ રમશે. આમાં પાકિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં.
આ દરમિયાન 12 સભ્ય દેશો 777 આંતરરાષ્ટ્રીય મેચ રમશે જેમાં 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી-20 મેચ સામેલ છે. વર્તમાન સિઝનમાં ટીમોએ 694 મેચ રમી છે. આ ચક્રમાં બે ICC મેન્સ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ICC ટુર્નામેન્ટ્સ અને દ્વિપક્ષીય અને ત્રણ દેશોની શ્રેણીનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાર મેચને બદલે પાંચ મેચની બની ગઈ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને સામે પાંચ મેચની શ્રેણી રમશે.
ભારત જુલાઈ-ઓગસ્ટ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર બે ટેસ્ટ, ત્રણ ODI અને ત્રણ T20I રમવાનું છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની હોમ સિરીઝ જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રી-સાઇકલ શેડ્યૂલ હેઠળ આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં ચાર ટેસ્ટ રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 2024-25માં પાંચ ટેસ્ટ રમશે અને 1991 બાદ આ પ્રથમ વખત બનશે. ભારત સપ્ટેમ્બર 2024માં બે ટેસ્ટ માટે બાંગ્લાદેશની યજમાની કરશે. ભારતીય ટીમ 2023માં 50 ઓવરના વર્લ્ડ કપ પહેલા 27 વનડે રમશે.