કોરોનાના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ને કારણે ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસની અનિશ્ચિતતા વચ્ચે, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે પ્રવાસ હજુ પણ શેડ્યૂલ મુજબ જ ચાલી રહ્યો છે.
મંગળવારે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સૌરવે વધુમાં કહ્યું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ થવાની છે. તે પછી જોઈએ શું થાય છે. જોકે દાદાએ કહ્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા હંમેશા BCCIની પ્રાથમિકતા રહી છે અને તેનું ધ્યાન રાખવામાં આવશે.
હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો અને કપિલ દેવે તેને ઓલરાઉન્ડર કહેવા સામે વાંધો ઉઠાવતા સૌરવે કહ્યું કે હાર્દિક પંડ્યા ફિટ નથી તેથી તે અત્યારે ટીમમાં નથી. તે યુવા ખેલાડી છે. આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે અને ટીમમાં વાપસી કરશે.
સૌરવે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યાની સરખામણી કપિલ દેવ સાથે ન કરવી જોઈએ. તે એક અલગ સ્તરનો ખેલાડી હતો. સૌરવે ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની ધમાકેદાર બેટિંગના વખાણ કરતા કહ્યું કે, રિદ્ધિમાને હિંમતભેર બેટિંગ કરીને ભારતને મેચ હારતા બચાવ્યું. લાંબા સમય પછી કોલકાતામાં યોજાનારી બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા વિશે પૂછવામાં આવતા સૌરવે કહ્યું કે આમાં બીસીસીઆઈના વર્ષભરના કામની સમીક્ષા કરવામાં આવશે અને આવતા વર્ષે થનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.
હવે બીજી મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે અને ત્યાર બાદ જ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આ પહેલા ભારતે ન્યુઝીલેન્ડને 3 મેચની ટી-20I શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું.

