ભારતીય ટીમનો યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમયથી ટીમની બહાર છે. કિશને તેની છેલ્લી મેચ 2023માં ભારતીય જર્સીમાં રમી હતી. ત્યારપછી તેને ભારતીય ટીમમાં વાપસી કરવાની તક મળી નથી.
એવું માનવામાં આવતું હતું કે શ્રીલંકા પ્રવાસ માટે ઇશાન કિશનની પસંદગી કરવામાં આવશે પરંતુ એવું બન્યું નહીં અને તેને તક મળી નહીં.
ઇશાન કિશને ભારતીય ટીમમાં પુનરાગમનની આશા છોડી નથી. ટીમમાં વાપસી કરવા માટે તે ટૂંક સમયમાં ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ તરફથી રમતા જોવા મળશે. ઘરેલુ ક્રિકેટમાં તેની વાપસી સાથે તેને ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પસંદગીકારોએ ઈશાન કિશન સાથે વાત કરી છે અને તેને ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપી છે. સલાહ બાદ ઈશાન ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે રાજી થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે ઈશાન કિશને માનસિક થાકને કારણે ગયા વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો. આફ્રિકા પ્રવાસમાંથી વિરામ બાદ ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો ન હતો જેના કારણે તેણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો હતો. જોકે, આ બધું પાછળ છોડીને ઈશાન કિશન કમબેક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઈશાન કિશને ભારતીય જર્સીમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમ્યા છે. અત્યાર સુધી તે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આમાં ઈશાને ટેસ્ટમાં 78 રન, વનડેમાં 933 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 796 રન બનાવ્યા છે.