પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં 40 પ્લસની એવરેજથી રન બનાવ્યા છે. પરંતુ તાજેતરના સમયમાં T20I ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ નીચે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિઆંદાદે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
મિઆંદાદે કહ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ મામલે બાબર સાથે ઈમાનદારીથી વાત કરવી જોઈએ અને તેને પૂછવું જોઈએ કે શું તે કેપ્ટનશિપને લઈને દબાણ અનુભવી રહ્યો છે.
ક્રિકેટ પાકિસ્તાન સાથે વાતચીત કરતી વખતે મિયાંદાદે કહ્યું, “બાબર એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. પરંતુ બોર્ડે તેને પૂછવું જોઈએ કે શું કેપ્ટન્સી તેના પર કોઈ અસર કરી રહી છે. તેમની અને બોર્ડ વચ્ચે પ્રામાણિક સંવાદ હોવો જોઈએ. જો તેને લાગે છે કે તે મેદાન પર બંને વસ્તુઓ (બેટ વડે રન બનાવવા અને કેપ્ટનિંગ) કરી શકે છે, તો કેપ્ટન્સી તેની પાસે જ રહેવી જોઈએ. જોકે, બોર્ડે બાબરને સ્પષ્ટ કરવું જોઈએ કે કેપ્ટન તરીકે બાબર તેમની પ્રથમ પસંદગી છે.
એવું નથી કે પાકિસ્તાની કેપ્ટન સંપૂર્ણપણે આઉટ ઓફ ફોર્મ છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી T20I શ્રેણીમાં તેણે છ મેચમાં 281 રન બનાવ્યા છે. તેણે બીજી T20Iમાં માત્ર 66 બોલમાં 110 રન બનાવ્યા હતા.
જાવેદ મિઆંદાદે કહ્યું, “ખેલાડીઓએ પહેલા પાકિસ્તાન માટે રમવા વિશે વિચારવું પડશે. એકવાર તમે પાકિસ્તાન માટે પ્રદર્શન કરવા ઈચ્છો છો, તો દેખીતી રીતે જ તમે બોલિંગ, બેટિંગ કે ફિલ્ડિંગમાં વધારાનો પ્રયાસ કરશો. પાકિસ્તાની ખેલાડીઓએ સમજવું પડશે કે તેઓ સારા છે, તેથી તેઓ પ્લેઈંગ ઈલેવનમાં છે.