LATEST

મિતાલી રાજે ઇતિહાસ રચ્યો, તેંડુલકર પછી આવું કરનાર વિશ્વની બીજી ખિલાડી બની

પ્રથમ વનડે મેચ 27 જૂને બ્રિસ્ટલમાં રમાશે…

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે તેની કારકિર્દીમાં ઘણાં લક્ષ્યો હાંસલ કર્યા છે અને એમ કહેવું ખોટું નહીં લાગે કે મહિલા ટીમને આ ઊચાઈએ પહોંચાડવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મિતાલીએ તેની કારકીર્દિમાં બીજું એક મોટું પરાક્રમ કર્યું છે. તેણે વન ડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીના 22 વર્ષ પૂર્ણ કર્યા છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પછી મિતાલી આ સ્થાન પ્રાપ્ત કરનાર વિશ્વની બીજી ખેલાડી છે.

જણાવી દઈએ કે મિતાલી રાજે 26 જૂન 1999 ના રોજ આયર્લેન્ડ સામે પ્રથમ વનડે મેચ રમી હતી, આજે તેણે 22 વર્ષ પૂરા કર્યા છે. આ પહેલા ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે જ આ કામ કર્યુ છે. સચિને 18 ડિસેમ્બર 1989 ના રોજ પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું અને 18 માર્ચ, 2012 ના રોજ તેની છેલ્લી મેચ પાકિસ્તાન સામે રમી હતી.

વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 38 વર્ષીય મિતાલીએ પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેના નામે 7098 રન છે, તેના સિવાય કોઈ પણ ખેલાડી 6000 રનના આંકડા સુધી પણ પહોંચ્યો નથી. આ સિવાય મિતાલીએ મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકેની સૌથી વધુ મેચ અને વનડેમાં સૌથી યુવા સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 10 હજાર રન પૂરા કર્યા છે. તે આ કરનારી વિશ્વની પ્રથમ ભારતીય અને બીજી ક્રિકેટર બની છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે, જ્યાં તેમને મિતાલીની કેપ્ટનશિપ હેઠળ ત્રણ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ વનડે મેચ 27 જૂને બ્રિસ્ટલમાં રમાશે.

Exit mobile version