પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ નજમ સેઠીએ કેપ્ટન બાબર આઝમ સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતોનો ખુલાસો કર્યો છે. રમીઝ રાજાના સ્થાને નજમ સેઠીને અચાનક પીસીબી ચીફ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ નજમ સેઠીએ શાહિદ આફ્રિદીની અધ્યક્ષતામાં વચગાળાની પસંદગી સમિતિની રચના કરી હતી.
નજમ સેઠીએ કહ્યું કે આફ્રિદીની આગેવાની હેઠળની આ વચગાળાની પસંદગી સમિતિ એક સમયે બાબર આઝમને સુકાની પદ પરથી હટાવવા માંગતી હતી. આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણી માટે ટીમની પસંદગી માટે આ વચગાળાની પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી.
આ પેનલમાં અબ્દુલ રઝાક, ઈફ્તિખાર અંજુમ અને હારૂન રશીદનો પણ સમાવેશ થાય છે. એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા નજમ સેઠીએ કહ્યું, ‘મેં વારંવાર કહ્યું છે કે હું કેપ્ટન બદલવા જેવા નિર્ણયો નથી લેતો. હું જેની પર વિશ્વાસ કરું છું તેમની પાસેથી સલાહ લઉં છું. જ્યારે અમે ચાર્જ સંભાળ્યો ત્યારે અમે વચગાળાની પસંદગી સમિતિની રચના કરી હતી. પસંદગીકારોએ કાર્યભાર સંભાળ્યો તે પહેલા જ તેણે કહ્યું હતું કે તે બાબરને સુકાની પદ પરથી હટાવવા સહિત કેટલાક ફેરફારો ઈચ્છે છે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ બાદ આફ્રિદીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તેની પાસે મીટિંગમાં જવાનો સમય નથી અને પછી હારૂન રશીદને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો હતો.