ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે ક્રિકેટરોએ જ્યાં સુધી તેઓ ફિટ હોય અને રમતનો આનંદ માણી રહ્યા હોય ત્યાં સુધી રમવું જોઈએ. કપિલને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ હવે સંન્યાસ લઈ લેવો જોઈએ, તો કપિલે કહ્યું કે હવે આ બંનેએ આ નિર્ણય લેવો પડશે.
કોહલી આ વર્ષે નવેમ્બરમાં 36 વર્ષનો થશે. અને રોહિત શર્મા આ વર્ષે એપ્રિલમાં જ 37 વર્ષનો થઈ ગયો છે. આ બંનેએ ટી20 વર્લ્ડ કપ 2024માં જીત બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
રવિ શાસ્ત્રીએ ખૂબ જ નાની ઉંમરે નિવૃત્તિ લીધી હતી, જ્યારે સચિન તેંડુલકરની લાંબી કારકિર્દી હતી. તેથી તે સંપૂર્ણપણે ખેલાડી પર નિર્ભર કરે છે કે તે તેના જીવન વિશે કેવી રીતે વિચારે છે. મારી વિચારવાની રીત એ છે કે તમે જ્યાં સુધી રમતનો આનંદ માણી રહ્યાં હોવ ત્યાં સુધી ફિટ રહેવું અને રમવું.
કપિલ દેવનું માનવું છે કે, ક્રિકેટરની કારકિર્દીની ટોચ 26 થી 34 વર્ષની વય વચ્ચે હોય છે. તેણે કહ્યું, ‘મારા મતે, કોઈપણ ખેલાડીની ટોચ 26 વર્ષની ઉંમરથી લઈને 34 વર્ષની ઉંમર સુધીની હોય છે. અને આ પછી, તેની કારકિર્દી કેટલી લાંબી હશે તે ફક્ત ફિટનેસ જ નક્કી કરે છે.
કપિલે 1994માં 35 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. કપિલે તેની કારકિર્દીમાં કુલ 131 ટેસ્ટ અને 225 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. કપિલે ટેસ્ટમાં 434 અને વનડેમાં 253 વિકેટ લીધી હતી. બેટથી કપિલે ટેસ્ટમાં 5248 રન અને વનડેમાં 3783 રન બનાવ્યા છે.

