પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા વિશે એવી વાત કહી છે, જેના માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિઝવાનનું માનવું છે કે જ્યારે ક્રિકેટના મેદાન પર બે દેશોના ખેલાડીઓ વચ્ચે ટક્કર થાય છે ત્યારે તે માત્ર મેદાન પુરતી જ સીમિત હોય છે, મેદાનની બહાર તમામ ક્રિકેટરો એક પરિવારની જેમ હોય છે.
રિઝવાન અને પૂજારા કાઉન્ટી ટીમ સસેક્સ માટે સાથે રમી રહ્યો છે. રિઝવાને આ દરમિયાન પૂજારાના વખાણ પણ કર્યા હતા, જ્યારે ટી20 વર્લ્ડ કપ 2021માં ભારત સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે તેનો એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.
રિઝવાને ક્રિકવિકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘આખું ક્રિકેટ જગત અમારા માટે એક પરિવાર જેવું છે. જ્યારે બે દેશના ખેલાડીઓ વચ્ચે ટક્કર થાય છે ત્યારે તે મેદાન સુધી જ સીમિત હોય છે, તેની બહાર આપણે બધા એક જ પરિવારના છીએ. જો હું આપણો વિરાટ કોહલી કહું તો તેમાં કંઈ ખોટું નથી. તેણે આગળ કહ્યું, ‘અથવા હું કહું કે આપણો ચેતેશ્વર પુજારા, આપણો સ્ટીવ સ્મિથ કે આપણો જો રૂટ, તો તેમાં પણ કંઈ ખોટું નથી. કારણ કે આપણે બધા એક જ પરિવારના છીએ.
રિઝવાનની વાત કરીએ તો તે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 22 ટેસ્ટ, 44 વનડે અને 56 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. રિઝવાનના ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 1112, 897 અને 1662 રન છે. રિઝવાને બાબર આઝમની સાથે પાકિસ્તાન માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે.