ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે જાહેરાત કરી કે ઋષિકેશ કાનિટકર ભારતીય વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમના નવા બેટિંગ કોચ બનશે. જ્યારે ટીમના પૂર્વ મુખ્ય કોચ રમેશ પવાર VVS લક્ષ્મણ સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જોડાશે.
9 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ભારત સામે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. આ સિરીઝ મુંબઈમાં શરૂ થશે અને આ સિરીઝ સાથે કાનિટકર પોતાની જવાબદારી સંભાળશે.
બેટિંગ કોચ બનવા અંગે કાનિટકરે કહ્યું, ‘વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનવું સન્માનની વાત છે. મને આ ટીમમાં ઘણી સંભાવનાઓ દેખાય છે, યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. મને લાગે છે કે આ ટીમ તેના માર્ગમાં આવતા કોઈપણ પડકાર માટે તૈયાર છે. બેટિંગ કોચ તરીકે આવનારો સમય રોમાંચક રહેશે.’
VVS લક્ષ્મણ NCAમાં ક્રિકેટના વડા છે. રમેશ પવાર હવે BCCIના રિસ્ટ્રક્ચરિંગ મોડ્યુલના ભાગરૂપે NCAમાં લક્ષ્મણ સાથે કામ કરશે. પવારે કહ્યું, ‘મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે મારી સારી સફર રહી છે. હું એનસીએમાં મારી નવી ભૂમિકા વિશે ઉત્સાહિત છું અને આશા રાખું છું કે નવી પ્રતિભાને તૈયાર કરવામાં મારો અનુભવ થોડો ઉપયોગી થશે. જ્યારે વીવીએસ લક્ષ્મણે કહ્યું, ‘રમેશ પવાર સ્પિન બોલિંગ કોચ તરીકે અમારી સાથે જોડાઈ રહ્યા છે. મને આશા છે કે અમને NCAમાં તેમના અનુભવનો લાભ મળશે.