બળાત્કારના આરોપી નેપાળ ક્રિકેટ ટીમના સસ્પેન્ડેડ કેપ્ટન સંદીપ લામિછાને શુક્રવારે જાહેર નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે તે નિર્દોષ છે. તેણે ટ્વીટ કર્યું કે તે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માંથી બ્રેક લેશે અને થોડા દિવસોમાં નેપાળ પરત ફરશે.
નેપાળ ક્રિકેટ એસોસિએશને ગુરુવારે (8 સપ્ટેમ્બર) એક સગીર છોકરી પર બળાત્કારનો આરોપ લગાવતા સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાનેને સસ્પેન્ડ કરી દીધો હતો. નેપાળની એક અદાલતે નેપાળ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સસ્પેન્ડેડ કેપ્ટન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 17 વર્ષની છોકરીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
સંદીપ લામિછાણેએ તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ પર ટ્વીટ કર્યું, “હું નિર્દોષ છું અને નેપાળના સન્માનજનક કાયદામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં સીપીએલમાંથી રજા લઈને થોડા દિવસોમાં મારા દેશમાં પાછા જવાનું નક્કી કર્યું છે. હું આ તમામ પાયાવિહોણા આરોપોનો સામનો કરવા તૈયાર છું. નિર્દોષોને ન્યાય મળવો જોઈએ અને તેમાં સામેલ તમામ લોકો સામે યોગ્ય તપાસ થવી જોઈએ. આશા છે કે કાયદો બધા માટે સમાન રીતે કામ કરશે.”
— Sandeep Lamichhane (@Sandeep25) September 9, 2022
લામિછાને હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. આઇપીએલમાં રમનાર નેપાળ તરફથી તે પ્રથમ ખેલાડી છે. તેણે 2018માં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી માટે ડેબ્યૂ કરીને હેડલાઈન્સ બનાવી હતી. લામિછાનેને તાજેતરમાં નેપાળની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
22 વર્ષીય લામિછાને 2018 અને 2019ની સિઝનમાં IPLમાં રમ્યો હતો. તેણે 9 IPL મેચમાં 13 વિકેટ લીધી છે. T20I ક્રિકેટમાં, લામિછાનેએ નેપાળ માટે 44 મેચમાં 85 વિકેટ લીધી છે.