જ્યારે રવિ બિશ્નોઈની દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી, ત્યારે તે સ્પષ્ટ સંકેત હતો કે તે આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ છે.
ભારતે વર્લ્ડ કપ પહેલા છ ટી-20 રમવાની છે અને તે સમજી શકાય છે કે 23 વર્ષીય બિશ્નોઈને યુઝવેન્દ્ર ચહલ કરતાં વધુ પ્રાધાન્ય મળવાની ખાતરી છે. ચહલ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. ચહલે આ વર્ષે નવ ટી20 મેચમાં નવ વિકેટ લીધી હતી જ્યારે બિશ્નોઈએ 11 મેચમાં 18 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ શ્રેણીમાં, બિશ્નોઈ પાંચ મેચમાં નવ વિકેટ લઈને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રહ્યો હતો. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ મેચમાં ચાર ઓવરમાં 54 રન આપવા ઉપરાંત બાકીની મેચોમાં બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે સ્વીકાર્યું કે બેટ્સમેન માટે અનુકૂળ પીચો પર પણ બિશ્નોઈને રમવું સરળ નહોતું. તેણે કહ્યું, “તેમના સ્પિનરોએ સારું પ્રદર્શન કર્યું. બિશ્નોઈએ ખાસ કરીને ચારેય મેચોમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને રમવું સરળ નહોતું.”
શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને જિયો સિનેમાને કહ્યું, “બિશ્નોઈ અન્ય લેગ સ્પિનરોથી અલગ છે. તે ઝડપી બોલિંગ કરે છે અને બોલને સ્લાઈડ કરે છે. મદદરૂપ વિકેટો પર તેને રમવું ઘણું મુશ્કેલ છે.”