ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન રોબિન ઉથપ્પાએ IPL 2024માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે શુભમન ગિલને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે રવિવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. પહેલા રમતા પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
રોબિન ઉથપ્પાએ શુભમન ગિલની પરિપક્વતાની ખૂબ પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ગિલ દરેક મેચ સાથે પરિપક્વ થઈ રહ્યો છે અને એક દિવસ તે ચોક્કસપણે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. જિયો સિનેમા પર વાતચીત દરમિયાન રોબિન ઉથપ્પાએ કહ્યું, મને લાગે છે કે શુભમન ગિલ ભારતીય ક્રિકેટને ભેટ છે. મારા મતે, તે ભારતીય ક્રિકેટમાં સર્વકાલીન મહાન ખેલાડી તરીકે પરિપક્વ થઈ રહ્યો છે.
તે માત્ર તેની આઈપીએલ ટીમ જ નહીં પરંતુ ભવિષ્યમાં ભારતીય ટીમની પણ કેપ્ટનશિપ કરશે. આ મેચમાં તેણે જે ઇનિંગ્સ રમી તે ખૂબ જ જબરદસ્ત હતી. તેણે તેની ઇનિંગ્સને યોગ્ય રીતે આગળ ધપાવી કારણ કે તેના માટે શક્ય હોય ત્યાં સુધી બેટિંગ કરવી મહત્વપૂર્ણ હતી.
