ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્કમાં રમાઈ રહી છે. આ મેચમાં જ્યાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમ 255 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 183 રનની લીડ મળી હતી. બીજા દાવમાં શરૂઆતથી જ ભારતીય ટીમના ઈરાદા ઝડપી રન બનાવવાના સ્પષ્ટ હતા અને વેસ્ટ ઈન્ડિઝ માટે જલદીથી મોટું લક્ષ્ય નક્કી કર્યું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આ સૌથી ઝડપી ફિફ્ટી હતી. તેણે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે 11.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 44 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. તેના નવા પાર્ટનર યશસ્વી સાથે આ તેની સતત ત્રીજી 50 પ્લસની ભાગીદારી પણ હતી. અગાઉ બંને વખત બંનેએ 100થી વધુ ભાગીદારી કરી હતી. આ જોડી ભારત માટે અત્યાર સુધી શાનદાર સાબિત થઈ છે. રોહિત શર્માએ આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.
