LATEST

અખ્તર: સચિનના 100 સદીના રેકોર્ડને તોડીને કોહલી 110 સદી ફટકારશે

પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ફેન રહ્યો છે. તે હંમેશા તેના ખરાબ પ્રદર્શન દરમિયાન વિરાટ કોહલીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. આ દરમિયાન શોએબ અખ્તરે કોહલી વિશે ભવિષ્યવાણી કરી હતી.

તેનું માનવું છે કે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી નાખશે. ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ પહેલા આ દિવસે સચિન તેંડુલકરે બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાની 100મી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 75મી સદી ફટકારી છે. અખ્તરે કહ્યું કે કોહલી હવે ભારતીય ટીમનો કેપ્ટન નથી રહ્યો, તે હવે ઝડપી સ્કોર કરશે. અખ્તરે ANIને કહ્યું, “વિરાટ કોહલીને ફોર્મમાં પાછા આવવું હતું, તેથી તે મારા માટે કંઈ નવું નથી. તેના પર કેપ્ટનશિપનું દબાણ હતું. આખરે હવે માનસિક રીતે મુક્ત છે. હવે તે વધુ ફોકસ સાથે રમશે. મને તેના પર પૂરો વિશ્વાસ છે કે તે 110 સદી ફટકારશે અને સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી નાખશે. હવે તેના પર કેપ્ટનશિપનું દબાણ નથી અને તે ઝડપી સ્કોર કરશે.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર હાલમાં દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) 2023માં એશિયા લાયન્સ તરફથી રમી રહ્યો છે. અખ્તરે 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચને પણ યાદ કરી હતી, જેમાં તેણે સચિન અને દ્રવિડને સળંગ બોલ પર પેવેલિયન મોકલી દીધા હતા.

Exit mobile version