ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા બુમરાહે પોતાની વાપસીને લઈને મોટી જાહેરાત કરી છે.
બુમરાહે નેટ્સ પર બોલિંગની પ્રેક્ટિસ કરતી વખતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કેટલાક ફોટોઝની સ્લાઈડ મૂકી છે જેમાં તે બોલિંગ અને થ્રો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત શેર કરવામાં આવ્યું છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બુમરાહ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
વાસ્તવમાં, વીડિયોના બેકગ્રાઉન્ડમાં બુમરાહે જે ગીત શેર કર્યું છે તેના બોલ કંઈક આ પ્રકારના છે – “દુનિયાને કહો કે હું ઘરે આવી રહ્યો છું.” આ વીડિયોને હવે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 3 મેચની T20I શ્રેણી રમશે જે 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ પછી ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે. એશિયા કપ 31 ઓગસ્ટથી ODI ફોર્મેટમાં રમાશે. આ પછી વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાવાનો છે. આ બંને ટૂર્નામેન્ટમાં ભારતની બોલિંગ જસપ્રીત બુમરાહના ખભા પર રહેશે.
Jasprit Bumrah is coming back soon!!! pic.twitter.com/FZXwqzthrB
— Johns. (@CricCrazyJohns) July 18, 2023