ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની ટાઈટલ જીત સિવાય જો કોઈ એક મેચે સૌથી વધુ હલચલ મચાવી હોય તો તે હતી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ. પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી યુએસ ટીમે ભૂતપૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનને રોમાંચક સુપર ઓવરમાં હરાવીને સનસનાટી મચાવી દીધી હતી.
અમેરિકન ટીમે પાકિસ્તાનને હરાવ્યું એટલું જ નહીં સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવીને આગામી વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કર્યું. પરંતુ હવે આ અમેરિકન ટીમ પર પ્રતિબંધનો ખતરો છે કારણ કે ICCએ ક્રિકેટ બોર્ડના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ આપી છે.
અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે આ દેશમાં પહેલીવાર T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન હોવાને કારણે અમેરિકાને તેમાં સીધો પ્રવેશ મળ્યો અને પ્રવાસીઓથી ભરેલી આ ટીમે પણ પોતાના જોરદાર પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા. સુપર-8માં પહોંચવાનો ઈનામ 2026માં ભારતમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન હતો, પરંતુ જો યુએસએ ક્રિકેટ (બોર્ડ) ICCની વાત નહીં સાંભળે તો આ બધું વ્યર્થ જશે.
કોલંબોમાં બે દિવસ સુધી ચાલેલી ICC કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ICC દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે યુએસએ ક્રિકેટ અને ચિલી ક્રિકેટને સસ્પેન્શન નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ આગામી 12 મહિના માટે છે, જેમાં આ બંને ક્રિકેટ બોર્ડે તેમના સંગઠનની ખામીઓને સુધારવી પડશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, યુએસએસી બે કેસમાં આઈસીસીના એસોસિયેટ મેમ્બર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું છે. પ્રથમ- બોર્ડમાં કોઈ ફુલ ટાઈમ સીઈઓ નથી. બીજું- યુએસએ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક એસોસિએશન પાસેથી માન્યતા લીધી નથી.
