ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે 31 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેણે આઈપીએલમાં ઘણી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય અંકિત ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. જોકે હવે તેણે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
અંકિતે 2012-13 સીઝનમાં ઘરેલુ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે યુપી માટે શાનદાર ભૂમિકા ભજવી છે. વર્ષ 2013 માં, તેની પસંદગી ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કરવામાં આવી હતી. આ પછી પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો. તે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે. અંકિત તેની ઝડપી બોલિંગ માટે જાણીતો હતો. તેણે IPLમાં મોટા બેટ્સમેનોને પરેશાન કર્યા છે.
અંકિતે પોતાના કરિયરમાં 80 ફર્સ્ટ ક્લાસ મેચમાં 248 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 50 લિસ્ટ A મેચમાં 71 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ સિવાય તેણે 87 T-20 મેચમાં 105 વિકેટ લીધી છે. અંકિતે ત્રણેય ફોર્મેટ સહિત સ્થાનિક કારકિર્દીમાં 474 વિકેટ લીધી છે. આ સિવાય તેણે IPLમાં 29 મેચમાં 24 વિકેટ ઝડપી છે. તેણે IPLમાં એક વખત 5 વિકેટ પણ લીધી છે.
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા તેણે લખ્યું કે, હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું. 2009-2024 સુધીનો મારો પ્રવાસ મારા જીવનનો સૌથી અદ્ભુત સમયગાળો રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, કાનપુર ક્રિકેટ એસોસિએશન, આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ 11, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા મને આપવામાં આવેલી તકો માટે હું આભારી છું. હું માનું છું કે એક ક્રિકેટર તરીકે મારી સફરનો આ આગળનો તબક્કો છે અને હું મારા જીવનના આ નવા અધ્યાયની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. હું જેનો ભાગ રહ્યો છું તે તમામ સહકર્મીઓને હું શુભેચ્છા પાઠવું છું.