ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-2થી પાછળ છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ 12 ઓગસ્ટે રમાશે. સીરીઝની ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગના જોરે ટીમ ઈન્ડિયાએ વાપસી કરી હતી. આ મેચમાં વિશ્વના નંબર 1 T20 બેટ્સમેન સૂર્યાએ 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. જો કે, ત્રીજી T20I માં તિલક વર્માની નિર્ણાયક અણનમ દાવથી ચાહકો વધુ પ્રભાવિત થયા હતા.
મુંબઈ ઈન્ડિયન્સના 20 વર્ષીય બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20I દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર 22 બોલમાં 39 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. પ્રથમ બે મેચમાં તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો જ્યારે ત્રીજી મેચમાં તે અણનમ રહ્યો હતો. તિલક વર્મા હવે પોતાની ડેબ્યૂ સિરીઝમાં જ વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ચાર મોટા બેટ્સમેનોનો રેકોર્ડ તોડી શકે છે.
વર્તમાન શ્રેણીમાં, તિલક ત્રણ ઇનિંગ્સમાં 69.50ની એવરેજ અને 139.00ના સ્ટ્રાઈક રેટથી 139 રન બનાવ્યા છે. હજુ બે મેચ બાકી છે, આ યુવા ખેલાડી ભારત માટે દ્વિપક્ષીય T20I શ્રેણીમાં વિરાટ કોહલીનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી શકે છે. કારકિર્દીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સહિત ટી20માં મોટા ભાગના રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે માર્ચ 2021માં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ અણનમ અડધી સદીની મદદથી 231 રન બનાવ્યા હતા.