ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગના બે મજબૂત સ્તંભો રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર હંમેશા બધાની નજર હોય છે. રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, જ્યારે વિરાટ કોહલી હવે ટીમનો પૂર્વ કેપ્ટન છે અને તે સિનિયર બેટ્સમેન તરીકે ટીમમાં યથાવત છે.
જો તાજેતરના સમયની વાત કરીએ તો વિરાટ કોહલીના બેટથી વધુ રન નથી આવ્યા, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ નિરાશ કર્યા છે. જો કે આ બંને બેટ્સમેનો કેટલાક પ્રસંગોએ સારું રમ્યા છે, પરંતુ તેમના કદને ધ્યાનમાં રાખીને તે પૂરતું નથી.
વર્ષ 2022માં કોહલી અને રોહિતની અત્યાર સુધીની બેટિંગની વાત કરીએ તો તેઓ એવરેજના હિસાબે ખૂબ જ સામાન્ય લાગે છે. કોહલી અને રોહિત શર્માએ આ વર્ષે એકપણ સદી ફટકારી નથી. જો કે, કોહલી વર્ષ 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સદી માટે ઉત્સુક છે. જો આ વર્ષમાં બંને ખેલાડીઓની અત્યાર સુધીની બેટિંગ પર નજર કરીએ તો બંને વચ્ચે થોડો જ તફાવત છે. આવી સ્થિતિમાં માત્ર કોહલીની બેટિંગ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી લાગતું.
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં વર્ષ 2022માં 18 ઇનિંગ્સમાં 25.50ની એવરેજથી 459 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 79 રન છે જ્યારે તેના બેટમાંથી ચાર અડધી સદી આવી છે. બીજી તરફ જો હિટમેન રોહિત શર્માની વાત કરીએ તો આ વર્ષે તેણે અત્યાર સુધી રમી છેલ્લી 17 ઇનિંગ્સમાં 26.62ની એવરેજથી 426 રન બનાવ્યા છે. રોહિત શર્માના બેટથી આ ઈનિંગમાં માત્ર 2 અડધી સદી થઈ છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 76 રન છે. હવે અહીં રોહિતની એવરેજ વિરાટ કરતા થોડી સારી છે, પરંતુ અડધી સદીના મામલે કોહલી તેનાથી આગળ દેખાય છે. આ સાથે જ બંને બેટ્સમેનોના નામે એક પણ સદી નથી.