LATEST

કોહલીએ બનાવ્યો રેકોર્ડ, આ ફોર્મેટમાં 16000 રન બનાવનાર બન્યો બીજો ખેલાડી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ સચિન તેંડુલકર પછી સફેદ બોલથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.

કોહલીએ રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ચેઝ માસ્ટર વિરાટ મેચ દરમિયાન પૂરા રંગમાં પરત ફર્યો હતો. તેણે માત્ર 48 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 131.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવનાર કોહલીએ સૂર્યકુમાર યાદવ (69) સાથે ત્રીજી વિકેટ માટે 104 રનની સદીની ભાગીદારી કરી હતી.

વિરાટના હવે T20 ઈન્ટરનેશનલ અને ODIમાં 16004 રન છે. વિરાટે 369 મર્યાદિત ઓવરની મેચોની 352 ઇનિંગ્સમાં 55.95ની એવરેજથી આ રન બનાવ્યા છે. તેણે 352 સફેદ બોલની ઇનિંગ્સમાં 44 સદી અને 97 અર્ધસદી ફટકારી છે. પૂર્વ કેપ્ટને 262 વનડેમાં 57.68ની એવરેજથી 12,344 રન બનાવ્યા છે. તેના બેટથી અત્યાર સુધીમાં 43 સદી અને 64 અડધી સદી ફટકારવામાં આવી છે, જેમાં 183 તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર છે. T20I ક્રિકેટમાં, તેણે 107 મેચોમાં 50.83 ની સરેરાશથી 3,660 રન બનાવ્યા છે. કોહલીએ સૌથી ટૂંકા ફોર્મેટમાં એક સદી અને 33 અડધી સદી ફટકારી છે, જેમાં અણનમ 122 રન તેનો સર્વશ્રેષ્ઠ છે.

સચિન તેંડુલકર બાદ વિરાટ સફેદ બોલની ક્રિકેટમાં 16000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. સચિને તેની કારકિર્દીમાં 463 વનડેમાં 18426 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેની એવરેજ 44.83 છે. આ સમયગાળા દરમિયાન માસ્ટર બ્લાસ્ટરે 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. તેના અણનમ 200 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. સચિને તેની કારકિર્દીમાં માત્ર એક જ T20 ઈન્ટરનેશનલ રમી છે, જેમાં તેણે 10 રન બનાવ્યા છે. એટલે કે સચિનના મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં 18436 રન છે.

Exit mobile version