LATEST

મુખ્યમંત્રી દીદીના હસ્તે રિદ્ધિમાન સાહાને પશ્ચિમ બંગાળનું મોટું સન્માન મળ્યું

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના સર્વોચ્ચ સન્માન ‘બંગ ભૂષણ’થી સન્માનિત કર્યા છે.

25 જુલાઈના રોજ રાજધાની કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેને આ સન્માન આપવામાં આવ્યું હતું. તેને આ સન્માન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યું હતું. તાજેતરમાં જ અંગત કારણોસર બંગાળ રણજી ટીમ છોડ્યા બાદ સાહાને આ સન્માન મળી રહ્યું છે.

હવે તે સ્થાનિક ક્રિકેટમાં ત્રિપુરાની ટીમ તરફથી રમતા જોવા મળશે. ત્રિપુરાની ટીમમાં તે ખેલાડીની સાથે મેન્ટર તરીકે પણ જોડાશે. પશ્ચિમ બંગાળ સરકાર કલા, સિનેમા અને રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે બંગ ભૂષણ પુરસ્કાર આપે છે. આ પુરસ્કાર પછી રિદ્ધિમાન સાહાએ ખુશી વ્યક્ત કરતાં લખ્યું કે “હું આ સન્માન માટે મને પસંદ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી દીદીનો આભાર માનું છું. આ મેળવીને હું ખરેખર સન્માનિત છું, હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

રિપોર્ટ અનુસાર, જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને બંગાળની ટીમ છોડવાનું કારણ પૂછ્યું તો સાહાએ જવાબ આપ્યો કે જો ભવિષ્યમાં તેને તક મળશે તો તે ચોક્કસપણે બંગાળ રણજી ટીમમાં પરત ફરશે.

પશ્ચિમ બંગાળના ખેલ મંત્રી અને બંગાળ રણજી ટીમના ખેલાડી મનોજ તિવારીએ આ સન્માન બદલ રિદ્ધિમાન સાહાને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે તે એક ક્રિકેટર અને માણસ તરીકે ખૂબ જ ખાસ છે અને તે આ સન્માનને પાત્ર છે.

Exit mobile version