ODIS

અફઘાન બોલર નવીન-ઉલ-હકે 24 વર્ષની ઉંમરે લીધો આ આશ્રયજનક નિર્ણય!

pic- 100 MB

ICC ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. નવીને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

તે વર્લ્ડ કપ પછી વનડે નહીં રમે. તેણે ખુદ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. નવીન અત્યારે 24 વર્ષનો છે. તેણે કહ્યું કે તેની કારકિર્દીને લંબાવવાના કારણે તેણે નાની ઉંમરે ODIને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે નવીન આઈપીએલ 2023માં વિરાટ કોહલી સાથેની ટક્કરના કારણે ચર્ચામાં રહ્યો હતો.

નવીને બુધવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું આ વર્લ્ડ કપ પછી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈશ અને મારા દેશ માટે T20 ક્રિકેટમાં વાદળી જર્સી પહેરવાનું ચાલુ રાખીશ. આ નિર્ણય લેવો આસાન ન હતો પરંતુ મારી કારકિર્દીને લંબાવવા માટે તે કરવું જરૂરી હતું. હું અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) અને મારા તમામ પ્રશંસકોનો આભાર માનું છું જેમણે મને સમર્થન આપ્યું.

નવીને સપ્ટેમ્બર 2016માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી માત્ર 7 ODI મેચ રમી છે, જેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. તેણે છેલ્લે જાન્યુઆરી 2021માં અફઘાનિસ્તાન માટે ODI રમી હતી. આ સિવાય તે 27 T20 ઈન્ટરનેશનલ મેચમાં જોવા મળ્યો અને 34 વિકેટ લીધી. નવીન આઈપીએલ સહિત વિશ્વની વિવિધ ક્રિકેટ લીગમાં રમે છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાનની ટીમ 7મી ઓક્ટોબરે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. અફઘાનિસ્તાનની પ્રથમ ટક્કર બાંગ્લાદેશ સાથે થશે. આ મેચ ધર્મશાલામાં રમાશે.

Exit mobile version