ઓક્ટોબરમાં યોજવાનારી ODI વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરી રહ્યું છે. 5 ઓક્ટોબરથી શરૂ થનારી પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ આ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે.
જોકે મળેલી માહિતી મુજબ ભારતીય ક્રિકેટ ટીમ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વોર્મ-અપ મેચ રમશે. આ વોર્મ-અપ મેચ સિવાય ઈન્દોરમાં વધુ બે મેચની પણ યજમાની થવાની સંભાવના છે.
જો વર્લ્ડ કપની મેચો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં યોજવામાં આવે છે, તો આ બીજી વખત હશે જ્યારે ઈન્દોરને ક્રિકેટ વર્લ્ડ કપ મેચની યજમાની મળશે. આ પહેલા 1987માં ઈન્દોરમાં રિલાયન્સ વર્લ્ડ કપની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 1987 વર્લ્ડ કપની મેચ ઈન્દોરમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 18-19 ઓક્ટોબરના રોજ રમાયેલી આ વરસાદ વિક્ષેપિત મેચમાં ન્યૂઝીલેન્ડને 3 રને હરાવ્યું હતું.
વરસાદના કારણે પ્રથમ દિવસની રમત નહેરુ સ્ટેડિયમમાં થઈ શકી ન હતી અને મેચ રિઝર્વ ડે પર થઈ હતી. 30-30 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 3 રને વિજય થયો હતો. BCCIએ ગયા મહિને વર્લ્ડ કપ મેચને લઈને સ્થળોની યાદી જાહેર કરી હતી. જેમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમનું નામ પણ સામેલ હતું.
જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં તમામ 10 ટીમો રાઉન્ડ-રોબિન લીગમાં એક-બીજા સામે રમશે. આ રાઉન્ડ રોબિન લીગમાં કુલ 45 મેચો રમાશે. લીગ સ્ટેજ પછી પોઈન્ટના આધારે ટોચની ચાર ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. નોકઆઉટ તબક્કામાં કુલ ત્રણ મેચ રમાશે.
ભારતમાં 12 વર્ષ બાદ વર્લ્ડ કપ:
ભારતમાં 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. ભારતે છેલ્લે 2011માં તેના સહ યજમાન વિશ્વ કપમાં શ્રીલંકાને હરાવીને ખિતાબ જીત્યો હતો. તે સમયે ભારતે 28 વર્ષનો ખિતાબનો દુકાળ ખતમ કર્યો હતો.