ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી છે. શિખર ધવન અને શુભમ ગિલની આ જોડી પણ સફળ રહી અને ભારતે 190 રનનો લક્ષ્યાંક એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો.
ભારતે આ મેચ 10 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ચાહકોને આશા હતી કે આઈપીએલ 2022 પછી વાપસી કરી રહેલા કેએલ રાહુલની બેટિંગ જોવા મળશે પરંતુ એવું થયું નહીં.
આ બેટિંગ ઓર્ડરને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, જો બેટિંગ ક્રમમાં ફેરફાર કરવામાં નહીં આવે તો કેએલ રાહુલને આખી શ્રેણીમાં બેટિંગ કરવાની તક નહીં મળે. અજય જાડેજાના મતે કેએલ રાહુલે એશિયા કપ પહેલા બેટિંગ કરવી જોઈએ.
સોની સ્પોર્ટ્સ પરના એક શોમાં તેણે બીજી વનડે પહેલા કહ્યું હતું કે ‘કદાચ બેટિંગ ઓર્ડર બદલાઈ જશે. કેએલ રાહુલ અહીં બેટિંગ પ્રેક્ટિસ કરવા આવ્યો છે. કેએલ, હુડ્ડા અને અવેશ ખાન – આ ત્રણ ખેલાડીઓ છે જે તે ટીમનો ભાગ છે અને તેઓએ મેદાન પર વધુ સમય પસાર કરવો જોઈએ. જો તે ચોથા નંબર પર બેટિંગ કરવા જઈ રહ્યો છે તો તેને આખી સિરીઝ દરમિયાન બેટિંગ કરવાની તક નહીં મળે.
કેએલ રાહુલની વાત કરીએ તો તેના માટે એશિયા કપ પહેલા બેટિંગ કરવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે મહિનાઓ બાદ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તે IPL 2022 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર છે. અગાઉ તેને સાઉથ આફ્રિકા સામે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ સિરીઝ પહેલા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વાપસી કરવી હતી પરંતુ કોરોનાને કારણે તે થઈ શક્યું નહીં. પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ હતો અને તેને ટીમની કમાન સોંપવામાં આવી છે પરંતુ તે ઓપનિંગ કરી રહ્યો નથી.