આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થયા બાદ પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. વસીમ અકરમે કહ્યું, પાકિસ્તાનની ટીમ પોતાનો બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીતી શકે છે.
વસીમ અકરમે ICC સાથેની વાતચીતમાં કહ્યું કે જો પાકિસ્તાની ટીમના ખેલાડીઓ ફિટ અને ફોર્મમાં રહેશે તો તેમને આશા છે કે આ ટીમ બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકશે. તેણે કહ્યું કે ટીમની કમાન વિશ્વના નંબર વન રેન્કિંગ બેટ્સમેન બાબર આઝમ પાસે છે અને તેની પાસે ઘણા અનુભવી ખેલાડીઓનો સમૂહ છે જે તેને સપોર્ટ કરશે. તેણે કહ્યું કે આ ટીમમાં રિઝવાન, ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન જેવા બેટ્સમેન છે, જ્યારે શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ જેવા શાનદાર બોલર છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ટીમમાં એવા તમામ ગુણો છે જે તેમને બીજો વર્લ્ડ કપ ખિતાબ અપાવી શકે છે. અમારી પાસે શ્રેષ્ઠ વનડે ટીમ છે, આ સિવાય ભારત અને પાકિસ્તાનની સ્થિતિમાં બહુ ફરક નથી. તેણે કહ્યું કે જો અમારા ખેલાડીઓ ફિટ રહે અને યોજના સાથે રમે તો તેઓ ટાઈટલ જીતી શકે છે.
પાકિસ્તાનની ટીમ 6 ઓક્ટોબરે ક્વોલિફાયર સાથે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ માત્ર એક જ વાર ICC ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી છે. વર્ષ 1992માં પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.