ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે એક મોટો રેકોર્ડ બનાવ્યો. બાબર આઝમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રિકોણીય ODI શ્રેણીની ફાઇનલમાં ફક્ત 29 રન બનાવ્યા હતા, પરંતુ તેણે ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો.
બાબર આઝમ 6,000 ODI રન બનાવનાર સંયુક્ત સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે હાશિમ અમલાની બરાબરી કરી, જેમણે ૧૨૬ મેચની ૧૨૩ ઇનિંગ્સમાં ૬૦૦૦ વનડે રન પૂરા કર્યા હતા. બાબર આઝમે પણ ૧૨૬મી વનડે મેચની ૧૨૩મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
બાબર આઝમ ODI ક્રિકેટમાં 6,000 રન બનાવનાર સૌથી ઝડપી એશિયન ખેલાડી પણ બન્યો, તેણે ભારતના દિગ્ગજ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, જેણે 136 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા, તે મે 2023માં 5,000 ODI રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો, તેણે ફક્ત 97 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
જોકે, ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક મહત્વપૂર્ણ પ્રેક્ટિસ તરીકે જોવામાં આવી રહેલી ત્રિકોણીય શ્રેણી પણ બાબર માટે સારી રહી નથી. બાબર ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની મેચમાં 10 રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે મોટા સ્કોરનો પીછો કરતી વખતે તે ફક્ત 23 રન જ બનાવી શક્યો હતો.