બાંગ્લાદેશે બુધવારે દક્ષિણ આફ્રિકામાં પોતાની પ્રથમ વનડે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત સાથે બાંગ્લાદેશ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.
બાંગ્લાદેશે અત્યાર સુધી રમાયેલી 18 મેચમાંથી 12માં જીત મેળવી છે, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે 120 પોઈન્ટ સાથે આ યાદીમાં ટોચ પર છે. તે જ સમયે, ઈંગ્લેન્ડ 95 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે અને ટીમ ઈન્ડિયા 79 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. આ સુપર લીગમાં કુલ 13 ટીમો છે અને ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ ટોપ 10ની બહાર છે.
વર્લ્ડ કપ સુપર લીગની વાત કરીએ તો, ભારત સહિત આ લીગની ટોચની 7 ટીમો 2023 વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થશે, જ્યારે અન્ય 5 ટીમોએ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડશે. તમને જણાવી દઈએ કે, ભારત 2023 ODI વર્લ્ડની યજમાની કરી રહ્યું છે.
દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ ત્રીજી ODI વિશે વાત કરતા, બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદે બુધવારે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. તસ્કીને પોતાની ઘાતક બોલિંગ વડે ઓડીઆઈ સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને 154 રનમાં સમેટી દીધું હતું. તેણે મેચમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. તસ્કીનના રેકોર્ડ બોલિંગ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને 141 બોલ બાકી રહેતા નવ વિકેટથી હરાવ્યું હતું.