ODIS

બીસીસીઆઇ નવા કોચની નિયુક્તિને મંજૂરી નહી આપી શકે : ટ્રેઝરર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સિનિયર સભ્ય એવી મિતાલી રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચેના ટકરાવ બાદ બીસીસીઆઇની એડ હોક સમિતિએ નવા કોચ તરીકે ભૂતપૂર્વ ઓપનર ડબલ્યુવી રામન પર પસંદગી ઉતારી છે. જોકે આ અંગે બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વડા અને ભૂતપૂર્વ સીએજી વિનોદ રાયની સામે હવે બોર્ડના સેક્રેટરી અનિરૃદ્ધ ચૌધરીએ મોરચો માંડયો છે. ચૌધરીએ કહ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં બીસીસીઆઇ મહિલા ટીમના નવા કોચની નિયુક્તિને મંજૂરી આપી શકે તેમ નથી.

અગાઉ સીઓએના સભ્ય અને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એડલજીએ જ તેમની સમિતિના વડા વિનોદ રાયની સામે વિરોધ વ્યક્ત કરતાં મહિલા ટીમના કોચ માટે જાહેરાત આપવાના તેમના નિર્ણયને આપખુદ ગણાવ્યો હતો.
ચૌધરીએ તેમના પત્રમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં તારીખ ૧૭મી જાન્યુઆરીએ સુનાવણી યોજાવાની છે, ત્યારે બીસીસીઆઇના વડાએ મહિલા ટીમના કોચની પસંદગી માટે જે પ્રકારની ઉતાવળ બતાવી છે, તે યોગ્ય નથી. તેઓ પોવારને કોચ તરીકે ચાલુ રાખી શક્યા હોત કે પછી અન્ય કોઈને કામચલાઉ જવાબદારી સોંપી શક્યા હોત. તેમણે ઊમેર્યુ કે, કોચની પસંદગી કરવાની કે તે અંગેની પ્રક્રિયાને આગળ ધપાવવાનો આદેશ આપવાની સત્તા સીઓએ પાસે નથી, જેના કારણે આ નિયુક્તિને બોર્ડ મંજૂરી આપી શકે તેમ નથી.

આજે સવારે સીઓએના સભ્ય ડાયના એડલજીએ બોર્ડની દેખરેખ કરી રહેલી સમિતિની વડા વિનોદ રાયને ખાસ મેસેજ કર્યો હતો અને તેમને આજે યોજાનારા ઈન્ટરવ્યુને મોકૂફ  રાખવા માટે રજુઆત કરી હતી. જોકે તેમની રજુઆતને ઠુકરાવી દેવામાં આવી હતી.

Exit mobile version