ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 30 રનની જરૂર હતી, પરંતુ સંજુ સેમસન તમામ પ્રયાસો છતાં 20 રન જ બનાવી શક્યો.
ભલે ભારતને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય. ટીમ ઈન્ડિયા વતી સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં શુભમન ગિલ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. તેણે 7 બોલમાં માત્ર 3 રન બનાવ્યા હતા. પરંતુ ત્રણ રન સાથે, તે ODI ક્રિકેટમાં સૌથી નાની ઇનિંગ્સમાં 500 રન બનાવનાર નંબર 1 બેટ્સમેન બન્યો. તેણે 10 ઇનિંગ્સમાં પોતાના 500 રન પૂરા કર્યા છે. આમાં પણ ખાસ વાત એ છે કે ભારત માટે વનડે રમનાર અને 500 રન બનાવનાર કોઈપણ બેટ્સમેન આટલી નાની ઈનિંગ્સમાં આ કારનામું કરી શક્યો નથી.
શુભમન ગિલ પહેલા સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન પૂરા કરવાનો રેકોર્ડ ભારતીય દિગ્ગજ નવજોત સિંહ સિદ્ધુના નામે હતો. જેમણે વર્ષ 1988માં 11 ઇનિંગ્સમાં 500 ODI રન બનાવ્યા હતા. પરંતુ હવે ગિલે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. શિખર ધવન, શ્રેયસ અય્યર અને કેદાર જાધવે માત્ર 13 ઇનિંગ્સમાં 500 રન બનાવ્યા હતા.