દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ડેલ સ્ટેને 5 ફાસ્ટ બોલરોના નામ આપ્યા છે જેઓ ભારતમાં યોજાનારા આગામી ICC મેન્સ વર્લ્ડ કપ 2023માં હલચલ મચાવી શકે છે. ડેલ સ્ટેને આ યાદીમાં ન તો ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ના તો મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા શાનદાર બોલરોને સામેલ કર્યા છે.
ડેલ સ્ટેને ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પોતાની યાદીમાં ટોચ પર સ્થાન આપ્યું છે. સિરાજ વર્તમાન ICC ODI રેન્કિંગમાં નંબર-1 બોલર છે. આશ્ચર્યની વાત એ હતી કે સ્ટેને બુમરાહની જગ્યાએ સિરાજને પસંદ કર્યો હતો. બુમરાહ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે, તાજેતરમાં યોજાયેલા એશિયા કપમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું.
મોહમ્મદ સિરાજ ઉપરાંત સ્ટેને આ ટોપ-5 બોલરોની યાદીમાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા, પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી, ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઈંગ્લેન્ડના માર્ક વૂડને પસંદ કર્યા છે. શાહીન શાહ આફ્રિદીની પસંદગી કરતી વખતે સ્ટેને રોહિત શર્માને સાવધ રહેવાની સલાહ આપી છે, જ્યારે તેણે કહ્યું છે કે ટ્રેન્ટ બોલ્ટ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની શકે છે.

