ભારતમાં યોજાનાર આગામી વનડે વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઘણી ટીમો ભારત પહોંચી ગઈ છે, જ્યારે કેટલીક ટીમો આગામી દિવસોમાં આવવાની છે. વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચો પણ રમાશે, જેના પર દરેકની નજર કેન્દ્રિત હશે.
ભૂતપૂર્વ ક્રિકેટરો અને પ્રશંસકોએ પણ આગામી વર્લ્ડ કપ માટે પોતાની મનપસંદ ટીમો અને ખેલાડીઓની પસંદગી કરી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે એક શો દરમિયાન કહ્યું કે બાબર આઝમમાં વર્લ્ડ કપ 2023માં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનવાની ક્ષમતા છે. બાબર આઝમે એશિયા કપમાં નેપાળ સામે 151 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે પછીની મેચોમાં તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો.
ગૌતમ ગંભીરનું માનવું છે કે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આગામી વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા, કેન વિલિયમસન, વિરાટ કોહલી અને જો રૂટ જેવા ખેલાડીઓને પાછળ છોડી શકે છે. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ શોમાં કહ્યું કે, બાબર આઝમ આ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી શકે છે. મેં ઘણા એવા ખેલાડીઓ જોયા છે જેમની પાસે ઘણો સમય છે. મને લાગે છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેન વિલિયમસન અને જો રૂટ છે, પરંતુ બાબર આઝમની ક્ષમતા અલગ સ્તરની છે.