
રોહિત શર્મા હવે ટી-20 બાદ ભારતીય વનડે ટીમનો કેપ્ટન રહેશે. મુંબઈમાં બીસીસીઆઈની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. BCCIએ રોહિતને ODI કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. BCCI તરફથી સંકેત મળતાં વિરાટે ટી-20 વર્લ્ડ કપની કેપ્ટન્સી છોડી દીધી હતી, પરંતુ તે પોતે ODIની કેપ્ટનશિપ છોડવા તૈયાર નહોતો. આ કારણોસર દક્ષિણ આફ્રિકા જવા ભારતીય ટીમની જાહેરાતમાં વિલંબ થયો હતો. દક્ષિણ આફ્રિકા માટે સોમવાર કે મંગળવારે ટીમની જાહેરાત થઈ શકી નથી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોહિત દક્ષિણ આફ્રિકામાં ત્રણ વન-ડે શ્રેણીમાં ટીમનો સુકાની હશે.
બુધવારે રાત્રે અથવા શુક્રવારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. પસંદગીકારોએ આ અંગે નિર્ણય લીધો છે અને બીસીસીઆઈને જાણ કરી છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ એ વાત સાથે સહમત છે કે સફેદ બોલની ક્રિકેટ એટલે કે ODI અને ટી-20માં એક જ કેપ્ટન હોવો જોઈએ.
એક અધિકારીએ જણાવ્યું કે 2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 અને ભારતમાં 2023માં ODI વર્લ્ડ કપ છે. હવે એવું ન થઈ શકે કે ટી-20માં એક કેપ્ટન હોય અને વનડેમાં બીજો કેપ્ટન હોય. અમારું ધ્યાન એક એવા કેપ્ટન પર છે જે 2022 અને 2023માં ભારતને ICC ટ્રોફી તરફ દોરી શકે કારણ કે અમે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કોઈ ICC ટ્રોફી જીતી નથી.
ભારતીય ટીમે 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમવાની છે. વિરાટ ટેસ્ટ શ્રેણીમાં ભારતનો કેપ્ટન રહેશે. બીજી ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી દરમિયાન વાન્ડરર્સમાં અને ત્રીજી ટેસ્ટ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન કેપટાઉનમાં રમાશે. ત્રણ વનડે 19, 21 અને 23 જાન્યુઆરીએ બોલેન્ડ પાર્ક, પર્લ અને કેપટાઉનમાં રમાશે.
