તાજેતરની ICC મેન્સ ODI પ્લેયર રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો છે. વનડે રેન્કિંગમાં વિરાટ બીજા નંબરે અને રોહિત ત્રીજા નંબર પર યથાવત છે.
રેટિંગ પોઈન્ટની વાત કરીએ તો રોહિત પૂર્વ કેપ્ટન વિરાટની નજીક પહોંચી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં અડધી સદી ફટકારનાર રોહિતના હવે 807 રેટિંગ પોઈન્ટ છે જ્યારે વિરાટના 828 રેટિંગ પોઈન્ટ છે. વિન્ડીઝ સામેની વનડે શ્રેણીમાં રોહિત પાસે વિરાટને પછાડી બીજા નંબર પર પહોંચવાની તક છે.
આ સાથે જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 873 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર યથાવત છે. આ સિવાય ફખર ઝમાન અને જો રૂટ એક-એક સ્થાનનો સુધારો કરીને ટોપ-10માં પહોંચી ગયા છે. બાકીના ટોપ-10માં બેટ્સમેનોની યાદીમાં વધુ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટોપ-10માં વિરાટ અને રોહિત બે જ ભારતીય બેટ્સમેન છે. ભારત સામેની પ્રથમ ODIમાં અડધી સદી ફટકારનાર વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ચાર સ્થાન ઉપર ચઢીને ટોપ-20માં પહોંચી ગયો છે.

