ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીમાં સ્થાન મેળવનારી પ્રથમ મહિલા ભારતની GS લક્ષ્મી રવિવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મહિલા વર્લ્ડ કપની ફાઈનલ માટે મેચ રેફરી હશે.
લક્ષ્મી એ પ્રથમ મહિલા મેચ રેફરી છે જેણે પુરુષોની વન-ડે ઈન્ટરનેશનલમાં મેચ રેફરી તરીકે કામ કર્યું છે. તેણે ડિસેમ્બર 2020માં UAEમાં વર્લ્ડ કપ લીગ ટુ દરમિયાન આ ભૂમિકા ભજવી હતી. ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત, હેગલી ઓવલ ખાતે યોજાનારી મહિલા વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન ચાર મહિલા મેચ અધિકારીઓ ભૂમિકા નિભાવશે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું જ્યારે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
દક્ષિણ આફ્રિકાની લોરેન એગનબર્ગ અને ન્યુઝીલેન્ડની કિમ કોટન ફાઈનલ માટે ઓન-ફીલ્ડ અમ્પાયર હશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની જેકલીન વિલિયમ્સ ટીવી અમ્પાયર તરીકે કામ કરશે. MCG ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 2020 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં કોટન એકમાત્ર મહિલા અધિકારી હતી. તેણે અહેસાન રઝા સાથે મેદાન પરના અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. જમૈકન જેકલીન 2020માં પુરૂષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા બની હતી.
તેણે વેસ્ટ ઈન્ડિઝની આયર્લેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝમાં આ ભૂમિકા ભજવી હતી. ઝિમ્બાબ્વેના લેંગટન રુસારે ચોથા અમ્પાયર હશે. “રમતમાં લિંગ સમાનતા માટે અમારી વ્યૂહાત્મક પ્રતિબદ્ધતાને અનુરૂપ, ICC આંતરરાષ્ટ્રીય મહિલા મેચ અધિકારીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને આ સ્પર્ધામાં 15 મેચ અધિકારીઓમાંથી આઠ મહિલાઓ હતી,” ICC એ જણાવ્યું હતું.

