આઈસીસી બોર્ડે આજે 2024 થી 2031 ના સમયપત્રકની પુષ્ટિ કરી છે..
મંગળવારે મળેલી બોર્ડ મીટિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ અનેક મોટા નિર્ણયો લીધા છે. હવે 14 ટીમો 50 ઓવરના વર્લ્ડ કપમાં ભાગ લેશે, જ્યારે ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષે યોજાશે. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી (મિની વર્લ્ડ કપ) પણ પાછો ફર્યો છે. આ અગાઉ વર્ષ 2017 માં આ ટ્રોફી છેલ્લી વખત રમી હતી અને તે પછી આઈસીસીએ તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આઇસીસીની આ બેઠક ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (એફટીપી) નક્કી કરવાના સંબંધમાં હતી. આ બેઠકમાં 2024 થી 2031 ના સમયપત્રક પર નિર્ણય લેવામાં આવ્યો હતો.
આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી રાઉન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ચાર સીઝન અને બે ચેમ્પિયન્સ ટ્રોફી રમવામાં આવશે. આઇસીસીએ કહ્યું કે, “આઈસીસી બોર્ડે આજે 2024 થી 2031ના સમયપત્રકની પુષ્ટિ કરી છે, જેમાં મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે.”
‘મેન વર્લ્ડ કપમાં 2027 અને 2031માં 14 ટીમો હશે, જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં 20 ટીમો હશે, જ્યારે 2024, 2026, 2028 અને 2030 માં 55 મેચની ટૂર્નામેન્ટ હશે.’ હાલમાં 50 ઓવરના વર્લ્ડ કપમાં 10 ટીમો છે. આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં 16 ટીમો હશે.
આઠ ટીમોની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને 2029માં રમાશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ્સ 2025, 2027, 2029 અને 2031માં રમાશે. આઈસીસી મહિલા ટૂર્નામેન્ટનું શિડ્યુલ નક્કી થઈ ચૂક્યું છે.
મેન્સ વર્લ્ડ કપમાં 7-7 ટીમોના બે જૂથો હશે અને ટોચની 3-3 ટીમો સુપર સિક્સસમાં આગળ વધશે. આ પછી સેમિફાઇનલ્સ અને ફાઈનલ થશે. આ જ બંધારણ 2003 વર્લ્ડ કપમાં પણ હતું. ટી -20 વર્લ્ડ કપમાં 5-5 ટીમોના ચાર જૂથો હશે. દરેક જૂથની ટોચની બે ટીમો સુપર 8માં આગળ વધશે, જે પછી સેમિ-ફાઇનલ અને ફાઈનલ થશે.

