ભારતીય સુકાની રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં વધુ એક રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક રાખશે. આ રેકોર્ડ ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ સાથે સંબંધિત છે. જો આજની મેચમાં હિટમેનના બેટમાંથી 6 સિક્સર નીકળી જાય તો તે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ 3 બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ જશે.
જો રોહિત શર્મા આમ કરી શકશે તો માત્ર વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી જ તેનાથી આગળ રહેશે. હાલમાં આ યાદીમાં રોહિત ચોથા સ્થાને છે.
રોહિત શર્માના નામે 239 વનડેમાં 265 સિક્સર છે. જો તે આજે 6 છગ્ગા ફટકારે તો રોહિત શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાને પાછળ છોડીને ટોપ 3માં સ્થાન મેળવી લેશે. જયસૂર્યાએ પોતાની કારકિર્દીમાં રમાયેલી 445 વનડેમાં 270 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ જો આપણે ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદીની વાત કરીએ તો આ લિસ્ટમાં આફ્રિદી 351 સિક્સર સાથે ટોપ પર છે અને ગેલ 331 સિક્સર સાથે છે.
બીજી તરફ, જો રોહિત રાપુર ખાતેની વનડેમાં 91 રન બનાવશે તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ યુસુફને પણ પાછળ છોડી દેશે. રોહિતે અત્યાર સુધી વનડે ક્રિકેટમાં 48.63ની શાનદાર એવરેજથી 9630 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 47 અડધી સદી અને 29 સદી ફટકારી છે. બીજી તરફ મોહમ્મદ યુસુફની વાત કરીએ તો આ ફોર્મેટમાં તેના 9720 રન છે. મોહમ્મદ યુસુફને છોડ્યા બાદ રોહિત શર્મા આ યાદીના ટોપ 15માં પોતાનું સ્થાન બનાવી લેશે.
તમને જણાવી દઈએ કે, ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે છે જેણે 463 મેચમાં 18426 રન બનાવ્યા હતા.